13 વર્ષની ઉંમરે
મારા વિવાહ થયા. આજે જ્યારે મારી નજર આગળ બાર તેર વર્ષનાં બાળકો પડ્યાં છે તેમને
જોઉં છું ને મારા વિવાહનું સ્મરણ કરું છું ત્યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને
બાળકોને મારી સ્થિતિમાંથી બચ્યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્છા થાય છે.
કાઠિયાવાડમાં
વિવાહ એટલે લગ્ન; સગાઈ નહીં. સગાઈ
એટલે બે બાળકોને પરણાવવાનો માબાપો વચ્ચે થયેલો કરાર. સગાઈ તૂટી શકે. સગાઈ થઈ હોય
છતાં વર મરે તો કન્યા રાંડતી નથી. સગાઈમાં વરકન્યાને કશો સંબંધ નથી રહેતો. બન્નેને
ખબર પણ ન હોય.
મારી એક પછી એક
ત્રણ વાર સગાઈ થયેલી. ત્રણે સગાઈ ક્યારે થઈ એની મને કશીયે ખબર નથી. બે કન્યાઓ એક
પછી એક મરી ગઈ...ત્રીજી સગાઈ સાતેક વર્ષની ઉંમરે થયેલી હશે એવું કંઈક સ્મરણ છે.
અમે ત્રણ ભાઈઓ
હતા. તેમાં સૌથી મોટા પરણી ચૂક્યા હતા. વચેટ મારાથી બે કે ત્રણ વર્ષ મોટા હતા.
તેમના, મારા કાકાના નાના દીકરાના અને મારા એમ ત્રણ વિવાહ એકસાથે કરવાનો વડીલોએ
નિશ્ચય કર્યો. આમાં અમારા કલ્યાણની વાત નહોતી. અમારી ઇચ્છાની તો હોય જ નહીં. આમાં
કેવળ વડીલોની સગવડની અને ખરચની વાત હતી.
હિંદુ સંસારમાં
વિવાહ જેવી તેવી વસ્તુ નથી. વરકન્યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન
લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, દાગીના
બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરિફાઈ થાય. બૈરાંઓ, સૂર હોય
કે ન હોય તોપણ, ગાણાં ગાઈ ગાઈ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદાં પણ પડે, પાડોશીની
શાંતિમાં ભંગાળ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્યાં અવસર આવે ત્યારે એવું જ
કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.
આવી ધમાલ ત્રણ
વખત કરવાને બદલે એક જ વખત કરી હોય તો કેવું સારું? ખરચ ઓછો થાય છતાં વિવાહ શોભે. વળી ત્રણ વિવાહ
સાથે થાય એટલે છૂટથી દ્રવ્ય ખરચી શકાય. આવા વિચારોથી આ ત્રણે વિવાહ સાથે કરવાનો
નિશ્ચય કર્યો.
અમે ભાઈઓએ તો
કેવળ તૈયારીથી જ જાણ્યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો, સારાં કપડાં પહેરશું,
વાજાં વાગશે, ફુલેકાં ચડશે, સારાં ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું,
વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્મરણ નથી. વિષય ભોગવવાની વૃત્તિ તો
પાછળથી આવી....
અમને બે ભાઈઓને
રાજકોટથી પોરબંદર લઈ જવામાં આવ્યા...પિતાજી દીવાન છતાં નોકર. વળી રાજપ્રિય, એટલે
વધારે પરાધીન. ઠાકોરસાહેબ છેલ્લી ઘડી સુધી જવા ન દે. છેવટે ખાસ ટપ્પા ગોઠવ્યા અને
બે જ દિવસ અગાઉ મોકલ્યા. પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર 60 ગાઉ છે.
ગાડા વાટે પાંચ દિવસનો રસ્તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્યા. છેલ્લી મજલમાં ટાંગો
ઊંધો વળ્યો. પિતાજીને સખત વાગ્યું : હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ
તો થયા જ. લખેલા મુહૂર્ત કાંઈ ફરે! હું તો વિવાહના બાળઉલ્લાસમાં પિતાજીનું દુઃખ ભૂલી ગયો !
બાપે થપાટ મારીને
મોઢું લાલ રાખ્યું. શરીર પીડા ભોગવતાં છતાં વિવાહમાં ભાગ પૂરો લીધો.....માહ્રરે
બેઠાં, ચોરીફેરા ફર્યા, કંસાર ખાધો ખવડાવ્યો. અને વરવહુ ત્યારથી જ સાથે રહેતાં
થયાં. એ પ્રથમ રાત્રિ ! બે નિર્દોષ
બાળકોએ વગરજાણ્યે સંસારમાં ઝંપલાવ્યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ
વરતવું. ધર્મપત્નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પૂછ્યું હોય એવું યાદ
નથી....અમે બન્ને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ આવે છે. એકબીજાથી શરમાતાં તો હતાં
જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું? મળેલી શિખામણ પણ મદદ શું કરે? પણ કંઈ શીખવવું તે પડે? ધીમે ધીમે એકબીજાને ઓળખતાં થયાં, બોલતાં થયાં.
અમે બન્ને સરખી ઉંમરના છીએ. મેં તો ધણીપણું આદર્યું.
ગાંધીગંગાઃ જ્યાં
સંસ્કાર બળવાન છે ત્યાં શિખામણ બધી મિથ્યા વધારો થઈ પડે છે
No comments:
Post a Comment