Tuesday, October 11, 2016

બાળવિવાહ


13 વર્ષની ઉંમરે મારા વિવાહ થયા. આજે જ્યારે મારી નજર આગળ બાર તેર વર્ષનાં બાળકો પડ્યાં છે તેમને જોઉં છું ને મારા વિવાહનું સ્મરણ કરું છું ત્યારે મને મારા ઉપર દયા છૂટે છે, અને બાળકોને મારી સ્થિતિમાંથી બચ્યાને સારુ મુબારકબાદી આપવાની ઇચ્છા થાય છે.

કાઠિયાવાડમાં વિવાહ એટલે લગ્ન; સગાઈ નહીં. સગાઈ એટલે બે બાળકોને પરણાવવાનો માબાપો વચ્ચે થયેલો કરાર. સગાઈ તૂટી શકે. સગાઈ થઈ હોય છતાં વર મરે તો કન્યા રાંડતી નથી. સગાઈમાં વરકન્યાને કશો સંબંધ નથી રહેતો. બન્નેને ખબર પણ ન હોય.

મારી એક પછી એક ત્રણ વાર સગાઈ થયેલી. ત્રણે સગાઈ ક્યારે થઈ એની મને કશીયે ખબર નથી. બે કન્યાઓ એક પછી એક મરી ગઈ...ત્રીજી સગાઈ સાતેક વર્ષની ઉંમરે થયેલી હશે એવું કંઈક સ્મરણ છે.

અમે ત્રણ ભાઈઓ હતા. તેમાં સૌથી મોટા પરણી ચૂક્યા હતા. વચેટ મારાથી બે કે ત્રણ વર્ષ મોટા હતા. તેમના, મારા કાકાના નાના દીકરાના અને મારા એમ ત્રણ વિવાહ એકસાથે કરવાનો વડીલોએ નિશ્ચય કર્યો. આમાં અમારા કલ્યાણની વાત નહોતી. અમારી ઇચ્છાની તો હોય જ નહીં. આમાં કેવળ વડીલોની સગવડની અને ખરચની વાત હતી.

હિંદુ સંસારમાં વિવાહ જેવી તેવી વસ્તુ નથી. વરકન્યાનાં માબાપો વિવાહની પાછળ ખુવાર થાય છે, ધન લૂંટાવે છે અને વખત લૂંટાવે છે. મહિનાઓ અગાઉથી તૈયારીઓ થાય. કપડાં બને, દાગીના બને, નાતો જમાડવાના અડસટ્ટા નીકળે, ભોજનની વાનગીઓની હરિફાઈ થાય. બૈરાંઓ, સૂર હોય કે ન હોય તોપણ, ગાણાં ગાઈ ગાઈ પોતાના સાદ ખોખરા કરી મૂકે, માંદાં પણ પડે, પાડોશીની શાંતિમાં ભંગાળ પાડે. પાડોશી બિચારા પોતે પણ પોતાને ત્યાં અવસર આવે ત્યારે એવું જ કરવાના હોય એટલે ઘોંઘાટ, એઠવાડ, બીજી ગંદકીઓ, બધું ઉદાસીન ભાવે સહન કરે.

આવી ધમાલ ત્રણ વખત કરવાને બદલે એક જ વખત કરી હોય તો કેવું સારું? ખરચ ઓછો થાય છતાં વિવાહ શોભે. વળી ત્રણ વિવાહ સાથે થાય એટલે છૂટથી દ્રવ્ય ખરચી શકાય. આવા વિચારોથી આ ત્રણે વિવાહ સાથે કરવાનો નિશ્ચય કર્યો.

અમે ભાઈઓએ તો કેવળ તૈયારીથી જ જાણ્યું કે વિવાહ થવાના છે. એ વેળાએ મને તો, સારાં કપડાં પહેરશું, વાજાં વાગશે, ફુલેકાં ચડશે, સારાં ભોજનો મળશે, એક નવી બાળા સાથે વિનોદ કરશું, વગેરે અભિલાષા ઉપરાંત બીજું વિશેષ હોય એવું સ્મરણ નથી. વિષય ભોગવવાની વૃત્તિ તો પાછળથી આવી....

અમને બે ભાઈઓને રાજકોટથી પોરબંદર લઈ જવામાં આવ્યા...પિતાજી દીવાન છતાં નોકર. વળી રાજપ્રિય, એટલે વધારે પરાધીન. ઠાકોરસાહેબ છેલ્લી ઘડી સુધી જવા ન દે. છેવટે ખાસ ટપ્પા ગોઠવ્યા અને બે જ દિવસ અગાઉ મોકલ્યા. પણ દૈવે બીજું જ ધારેલું. રાજકોટથી પોરબંદર 60 ગાઉ છે. ગાડા વાટે પાંચ દિવસનો રસ્તો હતો. પિતાજી ત્રણ દિવસમાં આવ્યા. છેલ્લી મજલમાં ટાંગો ઊંધો વળ્યો. પિતાજીને સખત વાગ્યું : હાથે પાટા, પૂંઠે પાટા. વિવાહમાંથી તેમનો અને અમારો અર્ધો રસ ગયો. પણ વિવાહ તો થયા જ. લખેલા મુહૂર્ત કાંઈ ફરે! હું તો વિવાહના બાળઉલ્લાસમાં પિતાજીનું દુઃખ ભૂલી ગયો !

બાપે થપાટ મારીને મોઢું લાલ રાખ્યું. શરીર પીડા ભોગવતાં છતાં વિવાહમાં ભાગ પૂરો લીધો.....માહ્રરે બેઠાં, ચોરીફેરા ફર્યા, કંસાર ખાધો ખવડાવ્યો. અને વરવહુ ત્યારથી જ સાથે રહેતાં થયાં. એ પ્રથમ રાત્રિ ! બે નિર્દોષ બાળકોએ વગરજાણ્યે સંસારમાં ઝંપલાવ્યું. ભાભીએ શિખામણ આપી કે મારે પહેલી રાતે કેમ વરતવું. ધર્મપત્નીને કોણે શિખામણ આપી હશે એ તો મેં પૂછ્યું હોય એવું યાદ નથી....અમે બન્ને એકબીજાથી ડરતાં હતાં એવો ભાસ આવે છે. એકબીજાથી શરમાતાં તો હતાં જ. વાતો કેમ કરવી, શી કરવી, એ હું શું જાણું? મળેલી શિખામણ પણ મદદ શું કરે? પણ કંઈ શીખવવું તે પડે? ધીમે ધીમે એકબીજાને ઓળખતાં થયાં, બોલતાં થયાં. અમે બન્ને સરખી ઉંમરના છીએ. મેં તો ધણીપણું આદર્યું.


ગાંધીગંગાઃ જ્યાં સંસ્કાર બળવાન છે ત્યાં શિખામણ બધી મિથ્યા વધારો થઈ પડે છે

Monday, April 18, 2016

વડીલોની આજ્ઞાનું પાલન કરવું, તેમના કાજી ન બનવું

હું શાળામાં સામાન્ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ. હું અતિશ શરમાળ છોકરો હતો. નિશાળમાં મારા કામ સાથે કામ હતું. ઘંટ વાગવાને સમયે પહોંચવું અને નિશાળ બંધ થયે ઘેર ભાગવું. 

હાઈસ્કૂલના પહેલા જ વર્ષનો, પરીક્ષા વખતનો એક બનાવ નોંધવા યોગ્ય છે. કેળવણી ખાતાનાં ઇન્સ્પેક્ટર જાઈલ્સ નિશાળ તપાસવા આવ્યા હતા. તેમણે પહેલા ધોરણના છોકરાઓને પાંચ શબ્દ લખાવ્યા. તેમાં એક શબ્દ 'કેટલ' (kettle) હતો. તેની જોડણી મેં ખોટી લખી. માસ્તરે મને પોતાના બૂટની અણી મારી ચેતવ્યો. પણ હું શાનો ચેતું ? મને સમજાયું જ નહીં કે માસ્તર મને સામેના છોકરાની પાટીમાં જોઈ લઈ જોડણી સુધારવાનું કહે છે. માસ્તર તો અમે એકબીજામાંથી ચોરી ન કરીએ એ જોતા હતા એવું મેં માનેલું. બધા છોકરાના પાંચે શબ્દ ખરા પડ્યા ને એકલો હું ઠોઠ ઠર્યો ! મારી 'મૂર્ખાઈ' મને માસ્તરે પાછળથી સમજાવી; પણ મારા મન ઉપર તે સમજૂતીની કશી અસર ન થઈ. મને બીજા છોકરાઓમાંથી ચોરી કરતાં કદી ન આવડ્યું. 

આમ છતાં માસ્તર તરફ હું મારો વિનય કદી ન ચૂક્યો. વડીલોના દોષ ન જોવાનો ગુણ મારામાં સહેજે હતો. આ માસ્તરના બીજા દોષો પણ મારી જાણમાં પાછળથી આવેલા. છતાં તેમની પ્રત્યેનું મારું માન તો કાયમ જ રહેલું. વડીલોની આજ્ઞાનું પાલન કરવું એટલું હું સમજ્યો હતો. તેઓ કહે તે કરવું; કરે તેના આપણે કાજી ન બનવું.

(સંદર્ભઃ સત્યના પ્રયોગો, પાનાં નંબર 3 અને 4)

Sunday, April 17, 2016

કબા ગાંધી, પૂતળીબાઈ અને મારો જન્મ


ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો. 


ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઈઓ ઓરમાયા હતા એવો ખ્યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. અામાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્લા તુલસીદાસ ગાંધી. બંને ભાઈએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરમાં કારભારું છોડ્યા પછી પોતે રાજસ્થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્શનર હતા.
કબા ગાંધીને એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્લાં પૂતળીબાઈથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્લો હું.

કબા ગાંધી
પિતા કબા ગાંધી કુટુંબપ્રેમી, સત્યપ્રિય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઈક વિષયને વિશે આસક્ત પણ હશે. તેમનો છેલ્લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્યાય આપતા. રાજ્યના બહુ વફાદાર હતા. પિતાશ્રીએ દ્રવ્ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્યો. તેથી અમ ભાઈઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.

પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસ-ભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્યવહારનું જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્રોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્ય હિંદુઓને સહેજે મળી હે તે તેમને હતું. છેવટના વર્ષમાં કુટુંબના મિત્ર અને વિદ્વાન બ્રાહ્મણની સલાહથી ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ પોતાના પૂજાના સમયે થોડાઘણા શ્લોકો ઊંચે સ્વરે પાઠ કરી જતા. 

પૂતળીબાઈ
મા પૂતળીબાઈ સાધ્વી સ્ત્રી હતી. તે બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય તેણે કદી ચાતુર્માસ છોડ્યા હોય એવું મને યાદ નથી. કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિઘ્ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એક સમય તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું. તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્ય વાત હતી, એટલેથી સંતોષ વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અમે છોકરા વાદળ સામું જોઈ રહીએ કે ક્યારે સૂર્ય દેખાય ને ક્યારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય. એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ, 'બા, બા સૂરજ દેખાયો' કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં તો સૂરજ ભાગી જાય. 'કંઈ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય' કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય.

મારો જન્મ
આ માતાપિતાને ત્યાં હું સંવત 1925ના ભાદરવા વદ 12ને દિવસે એટલે સને 1869ના ઓક્ટોબરની 2જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો. 

બચપણ પોરબંદરમાં જ ગયું. કોઈ નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્કેલીથી પાડા શીખેલો. તે કાળે છોકરીઓની સાથે હું મહેતાજીને ગાળો દેતાં શીખેલો એટલું યાદ છે. હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ તે સમયે મંદ હશે અને યાદશક્તિ કાચા પાપડ જેવી હશે.